તા.૨૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યમાં આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજકોટ જિલ્લામાં તા. ૧૬/૦૩/૨૪ સુધીમાં લોકસભા બેઠક વિસ્તાર અનુસાર ૧૦,૮૯,૫૪૬ પુરુષો અને ૧૦,૧૪,૯૩૮ સ્ત્રીઓ એમ કુલ- ૨૧,૦૪,૫૧૯ મતદારો રાજકોટ જિલ્લામાં નોંધાયેલા છે. ત્યારે, રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્રતા ધરાવતા કોઇ પણ મતદાર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત ન રહે તથા પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે, જે કોઇ પણ નવા મતદારો નામ નોંધાવવામાં બાકી રહી ગયા હોય તેઓ માટે, મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-૬ આગામી તા.૯/૪/૨૦૨૪ સુધી ભરી શકાશે.
જેના માટે મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેકટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાશે. આ ઉપરાંત મતદારો Voter Helpline App, Voter Service Portal (https://voters.eci.gov.in) પર પણ ઓનલાઈન અરજી કરી શકે છે. જેથી, રાજકોટ જિલ્લામાં હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદારયાદીમાં છે કે નહિં તે તપાસી લેવા અને જરૂર જણાયે હજુ પણ મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.








